35 C
Ahmedabad

કન્ટ્રોલ રૂમનો એક મેસેજ અને અમદાવાદ શહેરમાં લોકડાઉન જાણો શું હતો મામલો

Published:

Ahmedabad news Gujarati અમદાવાદ : મહામારી સમયે લોકડાઉન શબ્દથી સૌ કોઈ વાકેફ થયા હતા. પરંતુ ગઈકાલે બુધવારના રોજ રાત્રીના સમયે અમદાવાદમાં અચાનક જ લાગેલા લોકડાઉનની વાતથી મોટાભાગના લોકો અજાણ હશે. ગતરોજ 22 જૂનની રાત્રે 11:30 વાગ્યે ખાણી-પીણીની દુકાનો અને નાઈટઆઉટ કરતા યુવાનોથી અમદાવાદ ધમધમતું હતું.

દરમિયાન અચાનક જ શહેર જાણે થંભી ગયું હોય તેમ લાગતું હતું. કારણ કે પોલીસે જે લોકો જ્યાં હતા ત્યાં જ રોકી દીધા હતા. દરેકના મનમાં એક જ સવાલ હતો અચાનક આવું શું થયું કે શું થવાનું છે !

પોલીસને કન્ટ્રોલ રૂમથી એક મેસેજ પસાર થતા જ અમદાવાદ શહેરની પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. ક્ન્ટ્રોલ રૂમે એક સિલ્વર રંગની કારમાં ચાર શકમંદો ભાગ્યાનું જણાવતા જ ચારે તરફ પોલીસે રસ્તા બંધ કરી નાકાબંધી કરી દીધી. બેરિકેડિંગ કરી વાહનોની તપાસ અને મોટી સંખ્યામાં પોલીસને અચાનક રસ્તા પર જોઈ લોકો પણ ગભરાઈ ગયા હતા. લોકના મનમાં સવાલો હતા એજ રીતે સવાલો પોલીસના મનમાં પણ હતા.

પોલીસના ધાડેધાડા રસ્તા પર ઉતરી પસાર થઈ રહેલા એક-એક વાહનને ચેક કરી રહ્યાં હતા. શંકાસ્પદ લાગે તો પુછપરછ પણ કરવામાં આવતી હતી. આ તમામ ઘટનાઓથી શહેરીજનો એકદમ અજાણ હતા અને મનમાં જ સવાલો પર સવાલો પેદા કરતા હતા. પરંતુ આખરે જે સિલ્વર રંગની કાર પોલીસને શોધવાની હતી તે ઝડપવામાં સફળતા મળી હતી.

ખરેખર તો આ પોલીસની એક પ્રક્રિયા હતી જે શહેરમાં પોલીસ વિભાગ કેટલી ઝડપી કાર્યવાહી કરી શકે છે તે જોવા માટે કરવામાં આવી હતી. ભગવાન જગન્નાથજીની રથયાત્રા પણ એકદમ નજીક આવી રહી છે ત્યારે તંત્ર એલર્ટ છે. આજરોજ 23 જૂને ગૃહમંત્રી સહિત અમદાવાદ પોલીસના અધિકારીઓની બેઠક પણ યોજાઈ હતી જેમાં સુરક્ષા અંગે ચર્ચા થઈ હતી. આમ પોલીસે જ સિલ્વર રંગની કારમાં પોલીસ કર્મચારીઓ બેસાડી સમગ્ર ડ્રાઈવ કરી હતી.

Related articles

Recent articles