Ahmedabad News અમદાવાદ : તાજેતરમાં જ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે બોગસ ડિગ્રીનું કૌભાંડ ઝડપી પાડતા ખુલ્યું હતું કે રાજ્યમાં બોગસ ડિગ્રીનું ધુમ વેચાણ થઈ રહ્યું છે. ત્યારે અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા રાજકોટ કરતા પણ અઘરૂ કૌભાંડ ખુલ્લુ પાડ્યું છે. જેમાં ભેજાબાજ હેકરો દ્વારા ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સીલ (Gujarat State Pharmacy Council)ની વેબસાઈટને જ હેક કરી ડિગ્રી વેચતા હતા. આ મામલે પોલીસને ફરિયાદ મળતા સાયબર ક્રાઈમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં સાયબર ક્રાઈમને મોટી સફળતા હાથ લાગી છે.
અમદાવાદ સાયબર ક્રાઈમને ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સીલની વેબસાઈટ હેક કરી ડેટા અપલોડ કરી બોગસ માર્કશીટ અને સર્ટિફિકેટ વેચતા હોવાની ફરિયાદ મળી હતી. જેની તપાસ હાથ ધરતા ખુલ્યું હતું કે ભેજાબાજ આરોપીઓ એક-બે નહીં પણ દેશની 108 જેટલી યુનિવર્સિટીઓના 82 જેટલા કોર્સના બોગસ સર્ટિફિકેટનો વેપાર કરી રહ્યાં છે. સાયબર ક્રાઈમે આ કૌભાંડના 2 આરોપીઓને પશ્ચિમ બંગાળમાંથી શોધી ધરપકડ કરી છે.
અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા કાર્યવાહી કરી આરોપી અતનુ પાત્રા અને સુધાંકર ઘોષ નામના બે શખ્સોની ધરપકડ કરી હોવાના અહેવાલ છે. જેમાં ગુજરાતના અમદાવાદ સ્થિત ગુજરાત ફાર્મસી કાઉન્સીલની વેબસાઈટ હેક થયા મામલે થયેલી ફરિયાદમાં આરોપી સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. આરોપીની શોધખોળમાં અમદાવાદ સાયબર ક્રાઈમને છેક પશ્ચિમ બંગાળ સુધી લંબાવું પડ્યું હતું.
108 યુનિવર્સિટીના 82 કોર્ષના બોગસ સર્ટિફિકેટ કૌભાંડના ભેજાબાજ ઝડપાયા: અમદાવાદ Ahmedabad News

પ્રાપ્ત વિગતો અનુસાર ધરપકડ બાદ આરોપીઓની પૂછપરછ દરમિયાન ખુલ્યું છે કે, બંને શખ્સો સોફ્ટવેરની મદદથી 108 યુનિવર્સિટીની વેબસાઈટો હેક કરી શકે છે. ઉપરાંત આરોપી યુનિવર્સિટીના 82 જેટલા કોર્ષના નકલી પ્રમાણપત્ર અને ડિગ્રી સર્ટિફિકેટ પણ બનાવી શકે છે. આમ આરોપીઓએ સોફ્ટવેરની મદદથી વેબસાઈટો હેક કરી તેમાં સર્ટિફિકેટ અને ડિગ્રી અપલોડ કરી દેતા હતા. ઉપરાંત ભેજાબાજો એ તેના વેરિફિકેશન કરવા માટે પણ કિમિયો બનાવ્યો હતો, જેમાં આરોપીના મળતીયા દ્વારા ઈ-મેઈલ મોકલવામાં આવતા હતા. આ ઈ-મેઈલ બાદમાં તે મળતીયાઓ ડિલીટ કરી નાખતા હતા જેથી યુનિવર્સિટીના અધિકારીઓને તેની માહિતી મળે નહીં.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ નકલી સર્ટિફિકેટ અને ડીગ્રી બનાવટી એક ગેંગની ધરપકડ કરવામાં આવી હતી, હવે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ આવા બોગસ સર્ટિફિકેટનું કૌભાંડ બહાર પાડવામાં આવ્યું છે.