અમદાવાદ ન્યુઝ : દેશમાં સ્વતંત્રતા પર્વ 15મી ઑગસ્ટની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. એવામાં પોલીસની પણ સુરક્ષા આપવાની જવાબદારી વધી ગઈ છે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શહેરમાથી કેટલાક આરોપીઓની હથિયાર સાથે ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે પકડેલા આરોપીઓની પુછપરછમાં ખુલ્યું છે કે, આરોપીઓ મૂળ જામનગર (Jamnagar)ના છે અને હથિયાર વેચવા માટે અમદાવાદ આવ્યા હતા. પરંતુ પોલીસ તપાસ કરી રહી છે કે આરોપીઓ ખરેખર હથિયાર વેચવા માટે આવ્યા હતા કે અન્ય કોઈ ઈરાદાથી. પોલીસે આરોપીઓ પાસેથી 3 પિસ્ટલ અને 16 જીવતા કારતુસ કબ્જે કર્યા છે.
વઘુ વાંચો- રાજકોટમાં મોડી રાત્રે ધાડપાડુ ગેંગ અને પોલીસ વચ્ચે ફાયરિંગ; કાળીયો ઠાકર પોલીસ બની આવ્યો: માલિક
પ્રાપ્ત વિગતો અનુસાર આરોપીઓ હથિયાર વેચવા માટે સોશિયલ મીડિયા પરથી ગ્રાહકો શોધતા હતા. અને આ ત્રણે આરોપીઓ અમદાવાદમાં આવ્યા ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સરખેજ વિસ્તારમાંથી ઝડપી લીધા હતા.
પોલીસે આરોપી લતીફ સમા, નાસીર ખફી અને ઇરફાન શેખની ધરપકડ કરી પુછપરછ કરતા તેઓ હથિયાર મધ્યપ્રદેશથી રૂપિયા 15000 પ્રતિ પિસ્ટલ ચૂકવી લાવ્યા હતા. આ હથિયાર તેઓ ગુજરાતમાં 35 હજાર પ્રતિ પિસ્ટલના ભાવથી વેચવાના હતા. હાલ પોલીસ આરોપી હથિયાર વેચવાના હતા કે અન્ય કંઈ ઉપયોગ કરવાના હતા તે દિશામાં તપાસ કરી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આરોપીઓ મૂળ જામનગરના વતની છે.