Agneepath Protest Updates નવી દિલ્હી : કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરેલી યોજના અગ્નિપથ Agnipath Schemeનો હાલ દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. યુવાનો રસ્તા પર ઉતરી તોડફોડ અને વાહન, ટ્રેન જેવા સાઘનોને આગ ચાંપી રહ્યાં છે. બિહાર, ઉત્તર પ્રદેશ બાદ હરિયાણા, મધ્ય પ્રદેશ અને તેલંગણામાં પણ આક્રમક વિરોધ પ્રદર્શન થયા છે. એવામાં આજે તારીખ 20 જૂનના રોજ ભારત બંધનું એલાન Bharat Bandh Protest આપી વિવિધ સંગઠનોએ યોજનાનો વિરોધ કર્યો છે. ત્યારે દેશના લગભગ તમામ રાજ્યોની પોલીસ એલર્ટ થઈ ગઈ છે.
વિરોધી સંગઠનો દ્વારા ભારત બંધના એલાન કરવાના પગલે જીઆરપી અને આરપીએફ રેલ્વેને સુરક્ષા આપવા માટે સજ્જ થઈ ગયા છે. જ્યારે સંવેદનશીલ શહેરમાં પણ પોલીસનો ચાંપતો બંદોબસ્ત મુકવામાં આવ્યો છે. હરિયાણામાં ભૂતકાળના હિંસક આંદોલનોને પગલે પોલીસે ફરીદાબાદમાં પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જ્યારે રાજધાની દિલ્હીની નજીકના ઉત્તર પ્રદેશના નોઈડા અને ગૌતમબુદ્ધ નગરમાં પણ પોલીસે 144 કલમ લાગુ કરી છે. ગત શુક્રવારના રોજ ગ્રેટર નોઈડાના એક્સ્પ્રેસ વે પરથી 200 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી.
Agneepath protest Updates
દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી તૈયારીઓ કરી લીધી છે. જેમાં કેરળ, તેલંગણા, આંધ્રપ્રદેશ રાજ્યોએ અનિચ્છનિય બનાવ ન બને માટે પોલીસને ખડેપગે રહેવા આદેશ કર્યો છે. કેરળમાં તો આજરોજ 20 જૂને પોલીસના તમામ જવાનોને ફરજ પર હાજર રહેવા જણાવાયું છે. પોલીસ વડાએ ભારત બંધ દરમિયાન અદાલતો, KSEB કચેરીઓ, KSRTC, ખાનગી બસો તેમજ સરકારી કચેરીઓ અને સંસ્થાઓને વિશેષ સુરક્ષા આપવાની વાત કરી છે.
ઝારખંડમાં ભારત બંધના એલાનને ગંભીરતાથી લઈ શાળાઓ બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઝારખંડના શિક્ષણ સચિવ રાજેશ શર્માએ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય જાહેર કર્યો હતો. પંજાબ પોલીસે પણ ખાસ તૈયારીઓ કરી રાજ્યમાં સુરક્ષા અને શાંતિ જાળવી રાખવાની તૈયારી કરી હોવાના અહેવાલ છે.
પંજાબના ADGP, કાયદો અને વ્યવસ્થાએ તમામ CPs અને SSP ને ભારત બંધ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વિશેષ સૂચનાઓ આપી છે. તેણે ટ્વીટમાં કહ્યું કે અમે સોશિયલ મીડિયાથી ખોટી માહિતી ફેલાવનારાઓ પર પણ નજર રાખી રહ્યા છીએ. ભારત બંધ દરમિયાન કોઈ આ પ્લેટફોર્મનો દુરુપયોગ ન કરે તેની અમે ખાસ કાળજી રાખીશું.