28 C
Ahmedabad

અગ્નિપથ યોજના એક કૌભાંડ: કન્હૈયા કુમાર, જૂઓ શું કહે છે કન્હૈયા કુમાર આ મામલે

Published:

Agneepath is a Scam Said Kanhaiya kumar : નવી દિલ્હી : દેશભરમાં ચાલી રહેલા અગ્નિપથ યોજનાના હિંસક વિરોધને પગલે રાજકારણ પણ ગરમાયું છે. કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજના પર વિપક્ષી નેતાઓ પણ પ્રહાર કરી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસના યુવા નેતા કન્હૈયા કુમારે કહ્યું કે, અગ્નિપથ યોજના એક કૌભાંડ છે પણ, તેનો વિરોધ શાંતિપૂર્વક રીતે થવો જોઈએ.

કન્હૈયા કુમારે કહ્યું કે, હું યુવાનોને અપીલ કરું છું કે, વિરોધ પ્રદર્શન કરવા માટે કોઈપણ પ્રકારની હિંસાનો પ્રયોગ ન કરવો જોઈએ. દેશની સંપતિ ખાનગી હોય કે સરકારી તેનું જતન કરવાની જવાબદારી આપણી છે. દેશની સંપતિની સુરક્ષા કરવા માટે માત્ર સેનામાં જવું જ જરૂરી નથી પણ સામાન્ય માણસ તરીકે પણ આ કામ કરવું જોઈએ.

કેન્દ્ર સરકારની સેનામાં ભરતી માટે અગ્નિપથ યોજનાને કૌભાંડ જણાવતા કન્હૈયા કુમારે કહ્યું કે, આ કૌભાંડને કારણે દેશના યુવાનો આગમાં ધકેલાઈ રહ્યાં છે. સાથે જ કેન્દ્ર સરકાર પર નિશાન તાકતા કહ્યું કે, સરકાર ડેમેડ કન્ટ્રોલ કરવા ઉતાવળે જે કામ કરે છે તે પહેલાથી જ કેમ ન થયું ? બે વર્ષમાં કોઈ ભરતી નથી કરવામાં આવી. સરકાર તરફથી જણાવવામાં આવ્યું કે, અમે કોરોનાને કારણે નથી કરી શકતા. કોરોના દરમિયાન ચૂંટણી યોજાઈ હતી, રેલીઓ અને સરઘસ કાઢ્યા હતા, પ્રધાનમંત્રી મોદીએ સભાઓ કરી હતી પણ ભરતી ન થઈ શકી હતી.

કન્હૈયા કુમારે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ખરેખર તો સેવાનો સમયગાળો ઘટાડવા માંગે છે. જે સમય પહેલા 17 વર્ષ હતો તેને 4 વર્ષ કરવામાં આવી રહ્યો છે. એવી દલીલો પણ થઈ રહી છે કે જેઓ સેનાનું પ્રશિક્ષણ લઈ અને 4 વર્ષે પરત આવે છે તેને માતબાર રકમ મળશે. તેમને વિવિધ વિભાગોમાં અનામતનો લાભ આપવામાં આવશે. પરંતુ હું કહેવા માંગુ છું કે, જે લોકો સેનામાંથી નિવૃત થાય છ તેમને અગાઉથી જ વિવિધ વિભાગોમાં અનામતનો લાભ આપવામાં આવે છે.

વધુમાં કન્હૈયાએ કહ્યું કે, બાળકો શાળા દરમિયાન જ એનસીસીમાં જોડાય છે. દેશમાં ખાસ મિલિટરી સ્કૂલ પણ છે જ્યાં સેનામાં જોડાવા માટેની તાલીમ આપવામાં આવે છે. પણ હવે આ દલીલી ડેમેજ કન્ટ્રોલ માટેની આપવામાં આવે છે કે લાભ મળશે. હકિકત એ છે કે, સરકાર દેશની અંદર સશસ્ત્ર દળોની સંખ્યા ઘટાડવા માંગે છે. જો એવું ન હોય તો આ સવાલ પૂછવો જોઈએ કે દર વર્ષે 50 હજારની ભરતી થતી હતી. પણ બે વર્ષમાં કોઈ ભરતી થઈ નથી. કેન્દ્ર સરકારમાં 27 લાખ જગ્યાઓ ખાલી છે, કેમ ભરાઈ નથી.

કેન્દ્ર સરકારને કોરોના, બેરોજગારી અને અગ્નિપથ યોજના સહિતના મુદ્દે ઘરેતા કન્હૈયાએ કહ્યું કે,જ્યારે લોકોને ઓક્સિજનના સિલિન્ડર નહોતા મળતા, ત્યારે શું હિંસા થઈ હતી ? એ જ બિહારના લોકો પગપાળા દિલ્હીથી બિહાર ગયા. ટ્રેનના પાટા પર ગયા, પણ શું કોઈ પાટા ઉખડી ગયા ? શું આગ લાગી હતી ? આ દેશની સરકાર બેરોજગારી પર ગંભીર નથી.

Related articles

Recent articles